Thursday, December 17, 2015

સત્યમેવ જયતે..........

‘નંદુ, જલદી કર, સાહેબને આવવાનો સમય થઈ ગયો છે.’
‘અને સોફાને બરાબાર ઝાપટીને ચોખ્ખા રાખ.’
‘ચા માટે દૂધ તૈયાર છે ને ? છેલ્લી ઘડીએ કોઈ તાયફો ન થાય.’


મહાદેવીજી હાંફળાં ફાંફળાં ઘરનું સુપરવિઝન કરી રહ્યાં હતાં. નોકર નંદુને સૂચનાઓ આપ્યા બાદ એમને એકાએક યાદ આવ્યું. પુત્ર અવ્યયને ભણવા તો બેસાડ્યો નથી ! અને પપ્પા અર્યમન આવતાંની સાથે પૂછશે ‘અવ્યયે લેશન કર્યું ? સ્કૂલથી ઘેર આવ્યા બાદ રમવા તો નથી ગયો ને ? ખોટો બચાવ કરીશ તો તું વઢ ખાઈશ, એટલું યાદ રાખજે.’

અને મહાદેવી દોડતાં દોડતાં અવ્યયના અભ્યાસખંડમાં પહોંચી ગયાં ! એમને જોતાંવેંત જ અવ્યય તાડૂક્યોઃ ‘મારા પરમ પૂજ્ય પપ્પા ઉર્ફે ઈ.એ.એસ.ઑફિસર અર્યમનથી ધ્રૂજતાં મારા મમ્મીશ્રી, મારે માટે પુસ્તકોનો કીડો બનવાનો સંદેશ લઈને આવ્યાં છો કે બીજા કોઈ ખુશીના સમાચાર ? મારા સર કહેતા હતા કે મા મમતાની મૂર્તિ છે અને પપ્પા પ્રેમનો મહાસાગર. પપ્પા સાથે મહાસાગરની સરખામણી મને બરાબર સાચી લાગે છે ! સાગર જેવું જ ખારું મન, મોજાંના ધમપછાડા અને ક્યારે દરિયાઈ તોફાન શરૂ થશે એની ખાતરી નહીં. હેં મમ્મી, શું બધા જ પપ્પા મારા પપ્પા જેવા કડક શિસ્તમાં માનનારા હશે ? છોકરાને ભણાવવા સ્કૂલો પણ હોવી જોઈએ… પણ મમ્મી, જવા દે વાત, હું વાંચીશ નહીં, પણ વાંચવાનું નાટક અવશ્ય કરીશ, જો પપ્પાની કાર આવી ગઈ હોય એવું લાગે છે.’

અને મહાદેવી ઉપરના માળેથી ડ્રૉઈંગ રૂમમાં પહોંચી ગયાં. મિ. અર્યમનને નોકરના હાથનું પાણી પીવાની આદત નહોતી. નોકરના હાથ ચોખ્ખા ન હોય ! એટલે પાણીનો ગ્લાસ પણ એમની પત્ની મહાદેવીએ જ લાવવાનો. નોકર પણ નાસ્તો લઈને આવે તે પહેલાં એણે સાબુથી હાથ ધોવાનું ફરજિયાત. નોકરનાં વસ્ત્રો અને વાળ પણ વ્યવસ્થિત જ હોવાં જોઈએ.

‘મહાદેવી, આજે વહેલી સવારે ઊઠીને મેં કોનું મોઢું જોયું હતું ? તને યાદ છે ?’ અર્યમને ક્રોધાવેશમાં પૂછ્યું. મહાદેવી ગભરાઈ ગયાં ને પાણીનો ગ્લાસ એમના હાથમાંથી છટકી નીચે પડ્યો અને કાચનો ટુકડો મિ. અર્યમનના પગ પાસે પડ્યો.

‘ઈડિયટ, પાંત્રીસ વર્ષની થઈ પણ એટીકેટ જેવું કશું આવડતું જ નથી ! કાચનો એક ગ્લાસ સંભાળી શકતી ન હોય એ સ્ત્રી પતિ અને પુત્રને શું સાચવી શકવાની હતી ? મને લાગે છે સવારે ઊઠીને ભગવાનનાં દર્શન કરવાને બદલે તારું જ મોં જોયું હશે નહીં તો અહીંથી લબાચા ભરવાનો વારો ન આવત.’

મિ. અર્યમનની ઘાંટાઘાંટ સાંભળી પુત્ર અવ્યય નીચે દોડી આવ્યો ! ‘અને મહાદેવી, આ તારો દીકરો અભ્યાસ પડતો મૂકીને અહીં કેમ દોડી આવ્યો ? એને એમ લાગ્યું કે હું તને ઘરમાંથી તગેડી મૂકીશ ?… જનમટીપના કેદીની જેમ હું પણ વણગમતા ગૃહસ્થાશ્રમનો કેદી છું !… અવ્યય, તારા અભ્યાસખંડમાં જા.’ પપ્પાનો હુકમ માથે ચઢાવી અવ્યય સડસડાટ પગથિયાં ચઢી પોતાના અભ્યાસખંડમાં પહોંચી ગયો.

નોકર નંદુએ ઢળેલું પાણી લૂછી, કાચના ટુકડા એકઠા કર્યા એટલે અર્યમને કહ્યુઃ ‘જા, સાબુથી હાથ ધોઈ પાણીનો ગ્લાસ લઈ આવ ! તારી શેઠાણીના હાથ નબળા પડી ગયા છે, એનામાં પાણીનો ગ્લાસ ઉપાડવાની પણ શક્તિ નથી.’ મહાદેવી ચૂપચાપ બધું સહન કરી રહ્યાં હતાં. અનુભવથી તેમણે એ વાત સ્વીકારી લીધી હતી કે પોતાનો પતિ અર્યમન બળબળતી બપોરનો સૂર્ય છે. એની સામે ન જોવાય અને ટાઢો પડે એની પ્રતીક્ષા તો કરવી જ પડે !

મહાદેવી રસોડામાં ગયાં અને ચાની સાથે નાસ્તો પણ નંદુ સાથે જ મોકલ્યો. અર્યમને નંદુને કહ્યુઃ ‘તારી શેઠાણીને પૂછ કે કયા ખુશીના સમાચાર માટે એણે ફ્રૂટસલાડ અને બટાકાવડાં મારે માટે બનાવડાવ્યાં છે !’

નોકર કશું જ બોલ્યા વગર ચાલ્યો ગયો. વીસેક મિનિટ પસાર થઈ ગઈ એટલે મહાદેવીએ વિચાર્યું કે અર્યમન થોડા ટાઢા પડ્યા હશે ! અર્યમન દુર્વાસા નથી, શંકર છે. એમને રૂઠતાં પણ વાર નહીં અને રીઝતાં પણ વાર નહીં, દુર્વાસા છંછેડાય તો શાપ આપે, શંકર ક્યારેક તાંડવ નૃત્ય કરી બેસે, પણ પાર્વતી પર આંચ ન આવવા દે !

મહાદેવીની કલ્પના સાચી પડી. અર્યમને સામેથી બૂમ પાડીને નોકર નંદુને કહ્યું કે ‘તારી શેઠાણી માટે પણ ચા-નાસ્તો લાવ. અમે નાસ્તો સાથે જ કરીશું.’ મહાદેવીએ હાશકારો અનુભવ્યો. નંદુને બદલે પોતે નાસ્તાની ડિશ લઈને આવ્યાં.

એમને જોઈ સ્મિત સાથે અર્યમને કહ્યુઃ ‘મહાદેવી, જેણે કહ્યું હશે કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, એણે સમજી વિચારીને જ શબ્દો વાપર્યા હશે ! આમ અમે કહેવાઈએ મોટા સરકારી અધિકારી, પણ ઠરવાનું અમારા નસીબમાં લખાયેલું ન હોય ! મંત્રી અમને ધમકાવી શકે, સાંસદ કે ધારાસભ્યના બોલ અમારે ઝીલવા પડે ! અમારો ગુસ્સો અમે પત્ની પર ઠાલવીએ છીએ ! હવે સાંભળ, એક ધારાસભ્યની વાત સાંભળીને તેમનું ધાર્યું કરી ન આપ્યું એટલે મારી પર આક્ષેપો કરી, મારી બદલી કરાવી. આજે જ બદલીનો ઑર્ડર મળ્યો છે ! બિસ્તરા-પોટલા બાંધવા માંડો. સરકારી નોકર કરતાં ઘરનો ઘાટી વધુ સુખી હોય છે ! નોકરને લાત મારી નીકળી જવાની સ્વતંત્રતા તો ખરી !’

‘હવે ચા નાસ્તો પતાવી થોડો આરામ કરો એટલે મને શાંતિ મળશે. જીવનમાં નાની-મોટી અણધારી ઘટનાઓ તો બન્યા જ કરવાની ! આપણે એને અનુકૂળ થયે જ છૂટકો’ – મહાદેવીએ લાગણીભર્યા શબ્દોમાં કહ્યું એટલે મિ. અર્યમને થોડીક હળવાશ અનુભવી.

મિ. અર્યમન સ્વભાવે આકરા, પણ સ્વમાનના પણ એટલા જ આગ્રહી. પરસેવાની કમાણી સિવાય એમને એક પણ પૈસો ખપે નહીં એટલે લાંચરુશવત દ્વારા ધાર્યું કરાવનાર લોક સદાય એમની વિરુદ્ધ ફરિયાદો કર્યા જ કરે ! મોટા ચમરબંધીને પણ ન ગાંઠે એવા ઑફિસર તરીકેની એમની છાપ હતી. એટલે સ્ટાફની સાથે પણ તેઓ ઝઘડી પડતા ! ખોટાં કામ કરવા દબાણ લાવનાર મુલાકાતીઓને તેઓ હડધૂત કરી કાઢી મૂકતા. તેઓ ક્યારેક મિત્રો આગળ બળાપો કાઢતાં કહેતાઃ ‘આપણે વહીવટી ઢાંચામાં બ્રિટિશરોનું અનુકરણ કર્યું, પણ લોકશાહીને લાયક અધિકારી તરીકે વર્તવાની આપણને છૂટ છે ખરી ! પોતે ઈમાનદાર અને નેક નિયત હોવાને કારણે પારાવાર અપમાન અને પીડાઓ સહીને નિવૃત્ત થવું પડ્યું. એની વેદના સાચા ઑફિસરને જીવનભર સતાવતી રહી હશે. સાચો સરકારી અધિકારી નથી રહેતો ઘરનો, નથી રહેતો ઘાટનો. સરકાર એને બિનવફાદાર માને છે અને સમાજ એને નકામો ગણે છે !’

મિ. અર્યમન સત્યના પ્રયોગો કરતા રહ્યા અને ‘સત્ય’નું મૂલ્ય ચૂકવતા રહ્યા. એમના ગુસ્સાનો ભોગ એમની પત્ની મહાદેવી અને પુત્ર અવ્યય થતાં રહ્યાં. વારંવાર બદલીઓ અને અસ્થાયી વસવાટને કારણે અવ્યયના ભણવામાં પણ કશો ભલીવાર આવતો નહોતો ! પણ મિ. અર્યમન ઈચ્છતા હતા કે અવ્યય ઊંચી ટકાવારી સાથે પરીક્ષાઓ પસાર કરતો રહે, જેથી કૉલેજમાં પ્રવેશમાં પ્રવેશ માટે પોતે લાગવગ કરવી ન પડે કે ડૉનેશનના દૂષણનો ભોગ બનવું ન પડે ! એમને મન ડોક્ટરનો વ્યવસાય ઉત્તમ હતો. જેમાં સ્વતંત્રતા અને સેવા બંનેની પૂરતી તક હતી. તેઓ પોતાના પુત્ર અવ્યયને ઈમાનદાર અને આદર્શ ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા.

એટલે ધીરે ધીરે એમણે પોતાનો સ્વભાવ પણ બદલવા માંડ્યો. એમને લાગતું હતું કે ‘દુનિયાનો સંગ કૃત્રિમ હોય છે. અને પત્ની અને પુત્રનો સંગ સ્વાભાવિક હોય છે. જે ઘરને તરછોડે છે, કુદરત તેને ઠરવાનો મોકો આપતી નથી ! સદગૃહસ્થ બનવું એ પણ મોટી દેશભક્તિ છે, ઘર બગડ્યાં છે માટે દેશ બગડ્યો છે ! ઓછાં સાધનોથી ચલાવી ઘરનાં સ્વજનોની આદત દેશના અર્થતંત્રને સુધારી શકે અને ભ્રષ્ટાચારને નાથવામાં મદદરૂપ થઈ શકે.’

અવ્યયને પોતાના પપ્પાજીના વધુ પડતા આદર્શો લેશમાત્ર પસંદ નહોતા. એ માનતો હતો કે જમાનો વાંકી ચાલનો હોય તો માણસે પણ વક્ર ચાલે જ ચાલવું પડે છે. સંસાર વિજેતાને પૂજે છે. ઈમાનદારને તો કેવળ શાબ્દિક પ્રશંસાનો જ વિષય માને છે ! એટલે અવ્યયે વેપારી બની અઢળક લક્ષ્મી એકઠી કરવાનું મનોમન સ્વપ્ન સેવ્યું હતું…

પણ પોતાના જન્મદિને અર્યમને અવ્યય પાસે એક વચન માગ્યું, જેનો અવ્યય ઇનકાર કરી શક્યો નહીં અને એણે પપ્પાની ઈચ્છાને માન આપી સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ લીધો.

ડૉનેશન આપી, મેડિકલમાં પ્રવેશ મેળવવાના મિ. અર્યમન વિરોધી હતા. મહાદેવીએ પોતાના દરદાગીના વેચી ગુપ્ત રીતે ‘ડૉનેશન’ સીટમાં અવ્યયનો મોડિકલમાં પ્રવેશ પાકો કરવાની કોશિશ કરી જોઈ, પણ અવ્યય પોતાના પપ્પાજીના રંગે પૂરેપૂરો રંગાઈ ચૂક્યો હતો.

એના પપ્પા આદર્શવાદી હતા, એટલે શુભેચ્છકો કરતાં શત્રુઓની સંખ્યા વધારે હતી. મિ. અર્યમનનું નામ પડતાં જ લોકોને અવ્યયને પ્રવેશની બાબતમાં મદદરૂપ થવાનું ટાળતા. પોતાના પુત્રને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન ખંડિત થતું જોઈને મિ. અર્યમનનું ટેન્શન વધી ગયું. આખી રાત તેઓ શાંતિથી સૂઈ શક્યા નહીં. આખરે એમણે પોતાના આદર્શો સાથે બાંધછોડ કરવાનું નક્કી કર્યું. ડૉનેશન આપી મેડિકલમાં અવ્યયની સીટ પાકી કરવા પોતાનો બંગલો ગીરો મૂકી એક શ્રોફ પાસેથી મોટી રકમ મેળવી એને એક વચેટિયા દ્વારા તે રકમ કૉલેજ ઑથોરિટીને મોકલવાની વ્યવસ્થા તેમણે કરી. મહાદેવી અને અવ્યયથી એમણે આ વાત ગુપ્ત રાખી. પરંતુ એમનો અંતરાત્મા એમને અંદરથી કોરી ખાતો હતો. પોતાન સિદ્ધાંતોની પોતાના જ હાથે ક્રૂર હત્યા કરવી પડે એ જિંદગીની કરુણતમ ઘટના છે.

બીજે દિવસે સવારે અર્યમન ઊઠ્યા ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો થયો. ફેમિલી ડૉક્ટરે હાર્ટઍટેકનાં લક્ષણો જણાવી મિ. અર્યમનને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. અને અર્યમને ૭૨ કલાક જીવનમૃત્યુ વચ્ચેના સંઘર્ષ વચ્ચે વિતાવ્યા પણ ઈશ્વરે તેમને બચાવી લીધા. તેઓ ભાનમાં આવ્યા. અને ડોક્ટરે તેમને ભયમુક્ત જાહેર કર્યા એટલે અવ્યય અને મહાદેવીને કળ વળી.

મિ. અર્યમને પોતે ડૉનેશન આપી અવ્યયનો પ્રવેશ પાકો કરાવી લીધો છે એવી વાત કહેવાનો વિચાર કર્યો, એટલામાં જેના દ્વારા ડૉનેશનની રકમ મોકલાવી હતી એ વચેટીઓ આવી પહોંચ્યો. અને પૈસાનું પૅકેટ મિ. અર્યમનના હાથમાં મૂકતાં કહ્યુઃ ‘સર, કૉગ્રેચ્યૂલેશન, અવ્યયભાઈને મેડિકલમાં પ્રવેશ મળી ગયો છે. અને ટ્રસ્ટના ચૅરમૅનને આપે મોકલેલી ડૉનેશનની રકમ પાછી મોકલી છે અને કહેવડાવ્યું છે કે મિ. અર્યમન આખી જિંદગી સત્ય માટે ઝઝૂમ્યા છે, ભ્રષ્ટાચાર ક્યારેય આચર્યો નથી. એવો માણસ પોતાના પુત્રને ડૉક્ટર બનાવવા માટે ડૉનેશન સીટ મેળવવા પોતાનું ઘર ગીરો મૂકે, એ માણસનો પૈસો લેવો એ પાપ છે. પોતે સાચુકલા ઇન્સાન ન બની શકે, તો જેઓ સાચુકલા ઇન્સાન બનીને જીવ્યા છ એમની પડખે ઊભા રહેવું એ પણ એક પ્રકારે પ્રાયશ્ચિત છે. અર્યમન જેવા ઑફિસર્સ વધશે તો જ ભારત મહાન બની શકશે. લ્યો, આપની આ થાપણ ! ભગવાન તમને દીર્ઘ આયુષ્ય આપે !’ કહીને મધ્યસ્થી વિદાય થયો હતો.

મિ. અર્યમનની આંખમાંથી અશ્રુગંગા વહી રહી હતી… મહાદેવી અને અવ્યય એ પવિત્ર આત્માના ચરણોમાં વંદન કરી રહ્યાં હતાં અને હૉસ્પિટલના ખંડમાં જાણે બ્રહ્માંડનો શબ્દ ગુંજી રહ્યો હતો ‘સત્યમેવ જયતે… સત્યમેવ જયતે… સત્યમેવ જયતે !’

- ડૉ. ચંદ્રકાન્ત મહેતા

No comments:

Post a Comment